ગોળલીમડેથી ગુરૂજીની પધરામણી થતી
ને મા દોડતી પિત્તળના થાળમાં પાણી ભરીને.
અતિથિ થઈને આવેલ પ્રભુજીના પગ પખાળતી
ને એમના હાથે જ ચરણામૃત લેતી,
ગંગાજળથીય પવિત્ર પાણીની અંજલી પીને પાવન થઈ જતી.
બાપુ આ તમાશો જોતા ગુસ્સે લાલચોળ થઈ જતા.
પાક્કાં ભોજન જમીને,
ઘરદીઠ મણ બેમણ દાણાની વરસૂંદ લઈ ગુરુજી એમના સેવકો સાથે બીજે ગામની દલિત વસ્તીએ રવાના થતા.
ચામડાંની ખેપ લઈ શહેરમાં આવતા બાપુએ ગુરુજીની ગગનચૂંબી હવેલી જોઈ છે,
એમનાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ જોયાં છે,
તો માનું માટિયાળુ ખોરડુંય જોયું છે.
સમાચાર છે પ્રધાનજીએ કુંભમેળાની સફાઈ કામદાર દલિત મહિલાના પગ પખાળ્યા ને ચરણામૃતય લીધું,
એ પગ જે રોજ રોજ વિષ્ટાથી ખરડાતા હતા.
અલબત્ત, પ્રધાનજી તો કહે છે
દલિતોની આ સમાજસેવા આધ્યાત્મિક કર્મ સમાન પવિત્ર અને પૂણ્યશાળી છે.
સફાઈ કર્મચારી તો બ્રહ્મર્ષિ સમાન આદરને પાત્ર છે.
તેમના વડવાઓની પેઢીઓની જેમ
હરેક વાલ્મીકિએ આ સમાજસેવા,
આ આધ્યાત્મિક સેવામાં જીવન ગાળવું જોઈએ,
તો લોકો એમના પગ પખાળશે
ને ચરણામૃત લેશે મારી જેમ.
બાપુ જીવતા હોત તો ગુસ્સે લાલચોળ થયા હોત એ અબૂધ દલિત મહિલા પર.
કે કદાચ દયાય ખાતા હોત એ વાલ્મીકિ નવયૌવના પર,
એને શી ખબર પ્રધાનજી એમની પંચવર્ષીય વરસૂંદ લેવા નીકળ્યા છે!
પ્રધાનજી એમના રાજધાર્મિક કર્મમાં આધ્યાત્મિક આનંદ લે છે,
ને દરિદ્રનારાયણ - દલિતનારાયણીઓને એમના વિષ્ટાસફાઈ કર્મમાં આનંદ લેવા,
ગૌરવ લેવા કહે છે
આ ચરણામૃત પીતાં પીતાં.
હું પ્રધાન બની આજીવન દેશસેવા કરતો રહું,
તમે પરિયા બની આજીવન સમાજસેવા કરતા રહો.
25-2-2019
Comments
Post a Comment