Skip to main content

સબઓલ્ટર્ન (એક ફેન્ટસી

કાવ્ય : 38
)
*
જ્યારે કોઈ સત્તાસંસાધનસંપન્ન વર્ગ
તમને એમનાથી જૂદા અને નીચા ગણે છે,
તમને સબ-હ્યુમન કે લેસર હ્યુમન સમજે છે,
તમને કલ્ચરલેસ
કે તમારા કલ્ચરને પ્રિમિટિવ કે સબ-કલ્ચર માને છે,
તમને લાગણીવિહીન અને બુદ્ધિવિહીન સમજે છે,
તમને ગુલામ કે વેઠિયાવૈતરિયા સમજે છે,
તમારી પર તમામ પ્રકારના અન્યાય અને અત્યાચાર ગૂજારે છે,
ત્યારે સબઓલ્ટર્નનો જન્મ થાય છે.
સદીઓનાં અપમાન-અન્યાય
એની પરાકાષ્ઠાએ પહોંચે છે છતાં સબઓલ્ટર્નમાં પ્રજળતો જ્વાળામુખી સુષુપ્તાવસ્થામાં અંદર અંદર સળગતો રહે છે,
મેઈનસ્ટ્રીમને તો એનો સળવળાટ પણ સંભળાતો નથી.
એ શોષણ-દમનને ઓર તેજ કરે છે.
સબઓલ્ટર્ન સદીઓથી નફરત અને ધિક્કાર સેવ્યા કરે છે ચૂપચાપ,
સબઓલ્ટર્ન સદીઓથી વિદ્રોહ અને વિધ્વંસ સેવ્યા કરે છે ચૂપચાપ,
સબઓલ્ટર્ન સદીઓથી ક્રાંતિ અને મુક્તિ સેવ્યા કરે છે ચૂપચાપ.
સદીઓ વિત્યે ચૂપચાપ સક્ષમતા વિકસાવતા જતા સબઓલ્ટર્નમાં
કોઈ કાળે સ્લમડોગ જન્મે છે
ને બહારથી ચિનગારી ચાંપે છે
પેટાળમાં સળગતા જ્વાળામુખીને.
ને પછી તો બધું ખેદાનમેદાન થાય છે,
મેઈનસ્ટ્રીમને લાગે છે ધર્મશાસ્ત્રોમાં જેનો જિકર છે તે મહાતાંડવ ને ડુમ્સડે આવી પૂગ્યા છે.
સબઓલ્ટર્નના બળવાને ઠારવાનો હવે કોઈ ઉપાય નથી.
મેઈનસ્ટ્રીમ મન મનાવી લે છે :
શાસ્ત્રોમાં જે વચન છે એ પ્રમાણે આ સ્લમડોગ જ સંભવામિ યુગે યુગેના ભગવાનનો અવતાર છે.
અલબત્ત, સબઓલ્ટર્નને તો સમતા, સ્વતંત્રતા, બંધુતા ને ન્યાયથી ઓછું કંઈ ખપતું નથી.
સબઓલ્ટર્નને પોતાની સબઓલ્ટર્નિટીની નાબૂદીથી ઓછું કંઈ ખપતું નથી.
અને આ મહાપ્રલયથી
નવી ન્યાયી પ્રુથ્વીનો --
ક્લાસલેસ, કાસ્ટલેસ, રેસલેસ, ક્રીડલેસ
પ્રુથ્વીનો જન્મ થાય છે.
*
નીરવ પટેલ
25-1-2019

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ...

પાગલ

કાવ્ય : 56 * આગથી શાતા મળે છે ને પાણીથી દઝાય છે -- હું એમ કહું તો તમે મને પાગલ કહેશો. આ મંતરેલું પાણી તમારા કોઈ પણ શત્રુ પર છાંટશો તો એને લોહીની ઊલટીઓ થશે ને ત્યાં ને ત્યાં જ મરી જશે -- હું એમ કહું તો તમે મને મહાન ભૂવાજી માની લેશો. આ કાળકામાની છબિને પૂર્વના ટોઈલેટમાં અને આ ટોઈલેટ ક્લીનરને ડ્રોઈંગ રૂમમાં ટિંગાડો -- હું એમ કહું તો તમે મને પાગલ માનશો. પૂર્વમાં આવેલા કિચનને તોડીને દક્ષિણમાં અને દક્ષિણમાં આવેલા મંદિરને પૂર્વમાં ફેરવો -- એમ કહું તો તમે મને મહાન વાસ્તુશાસ્ત્રી માનશો. સૂર્ય પશ્ચિમમાં ઊગે છે ને પૂર્વમાં આથમે છે -- એમ કહું તો તમે મને પાગલ કહેશો. રાહુ અને કેતુમાં તમારો સૂર્ય ફસાયો છે ને તમારી દશા બેઠી છે, સાતેક હજારના પૂજાપાથી સૂર્યને તમારા જીવનમાં પુન: ઝળહળતો કરી શકાય છે -- એમ કહું તો તમે મને મહાન તાંત્રિક, મહાન જ્યોતિષી માનશો. હું પાગલ છું કારણ કે હું દેખીતી રીતે જ મહા વિરોધાભાસી વાત કરું છું. હું મહા મેધાવી છું કારણ કે હું દૈવીશક્તિઓની અગડંબગડં વાત કરું છું. * નીરવ પટેલ 9-2-2019