Skip to main content

રાજા નીરો અને એની પ્રજા


કાવ્ય : 4
રાજા નીરો અને એની પ્રજા
*
ચારે કોર ઘેરી નિરાશામાં ગરકાવ છે લોકો :
દેવાદાર બની ગયેલો કિસાન
આત્મહત્યા કરી લે છે,
બેકાર મજૂર આત્મહત્યા કરી લે છે,
બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી આત્મહત્યા કરી લે છે.
ને હવે દલિત એક્ટિવિસ્ટ્સ પણ
આત્મવિલોપન કરવા લાગ્યા છે.
કોઈ એક્ટિવિસ્ટ
ગરીબ જમીનવિહોણા કુટુંબને
કકડો જમીન મળે
એટલા માટે વર્ષોના નિષ્ફળ સંઘર્ષ
પછી આત્મવિલોપન કરી લે છે.
કોઈ લારીગલ્લા યુનિયનનો
તરવરિયો યુવાન
જીવનગૂજારાનું સાધન છિનવાઈ જતાં
આત્મવિલોપનનો પ્રયાસ કરે છે.
કોઈ ગટરકામદાર રોજમદારમાંથી કાયમી થવા આત્મવિલોપનની આગોતરી જાણ કરે છે સરકારને.
પણ આત્મહત્યાથી જે બચી ગયો તે વળી ટોળાંઓના લિંચિંગથી મરે છે!
સરકાર છે તે 3000 કરોડનું પૂતળુ બનાવી લોકોને અસ્મિતા ને ગૌરવથી જીવવાનું ફરમાન કાઢે છે.
સરકારનો 4 કરોડનો સૂટ ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે તે જાણવા અખબારી યાદી કાઢે છે.
ચૂંટણી ટાણે સરકાર પવનપાવડી પર બેસી સાબરમતી નદીમાં ખાબકવાની છે,
(
ના આત્મહત્યા કરવા નહીં,
સરકાર કોઈ પણ સ્ટંટ કરી શકે છે
એ બતાવવા ...)
ને એ જોવા સરકાર ઢંઢેરો પિટાવે છે.
ઉત્સવો, ઉત્સવો, ઉત્સવો ...
મેળાઓ, મેળાઓ, મેળાઓ ...
હરખનાં આ જોણાં જોતાં ઝાઝા લોકો આનંદની ચિચિયારીઓ પાડે છે.
નીરો અને એની પ્રજા!
એણે નજર બાંધી દીધી છે કે શું?
એમને લાગે છે કે દેશમાં બધું
વાઈબ્રન્ટ વાઈબ્રન્ટ છે!
*
નીરવ પટેલ
22-12-2018

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ...

સૌનો સાથ, સૌનો વિકાસ

કાવ્ય - 29 * દેશને અવ્વલ નંબરે લઈ જવા રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને સરકાર તનતોડ મહેનત કરી રહ્યાં છે : આર્થિક સલાહકારો કહે છે હરહાલતમાં માથાદીઠ આવક વધવી જોઈએ, હરહાલતમાં જીડીપી વધવી જોઈએ. પણ ઉત્પાદન વધારવું બહુ અઘરો રસ્તો છે, વિકલ્પે સહેલો રસ્તો છે દેશમાં માથાં ઘટાડો. રેશિયો ઓટોમેટિક ઝડપથી ઊંચો ચઢતો જશે. દેશવાસીઓ આ મહાપ્રોજેક્ટમાં પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે : વર્ષે હજારો લોકો એક્સિડન્ટમાં પોતાના જાનની આહુતિ આપી દે છે. વર્ષે હજારો નાગરિકો પતંગોત્સવ જેવા જાતભાતના ઉત્સવોમાં મરે છે. વર્ષે હજારો સ્ત્રીઓ રેઈપ અને ઓનર કિલિંગ અને ડોમેસ્ટિક વાયોલન્સમાં મરે છે. સરકાર પણ પોતાના સિરિયસ પ્રયત્નો કરી રહી છે : વર્ષે હજારો ખેડૂતો ને બેકારો ને વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ કરી રહ્યા છે. વર્ષે હજારો ધાર્મિકો કુંભમેળા જેવા જાતભાતના મેળાઓની ગિરદીમાં કચરાઈને મરે છે. વર્ષે હજારો નિર્દોષો દંગાફસાદ ને બોમ્બિંગ ને લિંચિંગથી મરે છે. વર્ષે હજારો લોકો સાચાખોટા એન્કાઉન્ટરમાં મરે છે. બસ સરકાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ વિકાસની આ ઝડપ વધારવાની છે. બસ વિકાસ માટે જરૂર છે સૌના સાથની. આવતા પાંચ વર્ષોમ...