Skip to main content

પાગલ

કાવ્ય : 56

*
આગથી શાતા મળે છે
ને પાણીથી દઝાય છે --
હું એમ કહું તો તમે મને પાગલ કહેશો.
આ મંતરેલું પાણી તમારા કોઈ પણ શત્રુ પર છાંટશો તો એને લોહીની ઊલટીઓ થશે ને ત્યાં ને ત્યાં જ મરી જશે --
હું એમ કહું તો તમે મને મહાન ભૂવાજી માની લેશો.
આ કાળકામાની છબિને પૂર્વના ટોઈલેટમાં
અને આ ટોઈલેટ ક્લીનરને ડ્રોઈંગ રૂમમાં ટિંગાડો --
હું એમ કહું તો તમે મને પાગલ માનશો.
પૂર્વમાં આવેલા કિચનને તોડીને દક્ષિણમાં
અને દક્ષિણમાં આવેલા મંદિરને પૂર્વમાં ફેરવો --
એમ કહું તો તમે મને મહાન વાસ્તુશાસ્ત્રી માનશો.
સૂર્ય પશ્ચિમમાં ઊગે છે
ને પૂર્વમાં આથમે છે --
એમ કહું તો તમે મને પાગલ કહેશો.
રાહુ અને કેતુમાં તમારો સૂર્ય ફસાયો છે
ને તમારી દશા બેઠી છે, સાતેક હજારના પૂજાપાથી સૂર્યને તમારા જીવનમાં પુન: ઝળહળતો કરી શકાય છે --
એમ કહું તો તમે મને મહાન તાંત્રિક, મહાન જ્યોતિષી માનશો.
હું પાગલ છું
કારણ કે હું દેખીતી રીતે જ
મહા વિરોધાભાસી વાત કરું છું.
હું મહા મેધાવી છું
કારણ કે હું દૈવીશક્તિઓની
અગડંબગડં વાત કરું છું.
*
નીરવ પટેલ
9-2-2019

Comments

Popular posts from this blog

કેન્ડલ માર્ચ

બળાત્કાર અને હત્યાનો ભોગ બનનાર નિર્ભયાને ન્યાય મળે એ હેતુથી યોજાયેલ કેન્ડલ માર્ચ મેં જોઈ હતી ટીવીને પડદે. પુરુષહિંસાનો ભોગ બનતી સ્ત્રીઓની એ સિરિયસ અને ડિસીપ્લીન્ડ પ્રોટેસ્ટ માર્ચ હતી, અલબત્ત એમાં ન્યાય અને સમાનતામાં માનતા સહ્દયી પુરુષો પણ જોડાયા હતા. ગઈ કાલે રાત્રે મેં પુલવામાના શહીદોના નામે યોજાયેલ કેન્ડલ માર્ચ જોઈ. આખા રોડ પર હજારો સ્ત્રીપુરુષબાળકોના એક હાથમાં મિણબત્તીઓ હતી, ને બીજા હાથમાં ભગવા ધ્વજો. એ સૌ ગળાફાડ સૂત્રોચ્ચાર કરતાં હતાં, માંગ કરતાં હતાં વિધર્મી દુશ્મનદેશને આવો જ લોહિયાળ પાઠ ભણાવી બદલો લેવાની. કેટલાક લોકો શહીદોના પરિવારો માટે ઝોળીઓ લઈ ફાળો પણ ઉઘરાવતા હતા. સૂત્રોચ્ચારો ઓર પ્રવોકેટિવ થતા જતા હતા. આયોજકોએ ટ્રેજડીને ધર્મ અને કોમના એંગલથી ઓર ઘેરી ઘૂંટી હશે, કદાચ કેન્ડલધારી ટોળાંઓ એટલે જ હોશોહવાસ ખોઈ બેઠાં હતાં. રોડની પેલે પાર બોર્ડરલાઈન પર વસતા સૌ પોતાનાં બંધ ઘરોમાંય ધ્રુજતા હતા, આગજની કે હિંસા ભડકવાની દહેશત વર્તાતી હતી માહોલમાં. આ શહીદોના માનમાં યોજાયેલ કેન્ડલ માર્ચ હતી કે કોઈ અદ્રશ્ય નેતાનો રોડ શો? કદાચ ટોળાંઓની જાણ બહાર કોઈ આ ગંજાવર ટ્રેજડીમ...

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

સૌનો સાથ, સૌનો વિકાસ

કાવ્ય - 29 * દેશને અવ્વલ નંબરે લઈ જવા રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને સરકાર તનતોડ મહેનત કરી રહ્યાં છે : આર્થિક સલાહકારો કહે છે હરહાલતમાં માથાદીઠ આવક વધવી જોઈએ, હરહાલતમાં જીડીપી વધવી જોઈએ. પણ ઉત્પાદન વધારવું બહુ અઘરો રસ્તો છે, વિકલ્પે સહેલો રસ્તો છે દેશમાં માથાં ઘટાડો. રેશિયો ઓટોમેટિક ઝડપથી ઊંચો ચઢતો જશે. દેશવાસીઓ આ મહાપ્રોજેક્ટમાં પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે : વર્ષે હજારો લોકો એક્સિડન્ટમાં પોતાના જાનની આહુતિ આપી દે છે. વર્ષે હજારો નાગરિકો પતંગોત્સવ જેવા જાતભાતના ઉત્સવોમાં મરે છે. વર્ષે હજારો સ્ત્રીઓ રેઈપ અને ઓનર કિલિંગ અને ડોમેસ્ટિક વાયોલન્સમાં મરે છે. સરકાર પણ પોતાના સિરિયસ પ્રયત્નો કરી રહી છે : વર્ષે હજારો ખેડૂતો ને બેકારો ને વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ કરી રહ્યા છે. વર્ષે હજારો ધાર્મિકો કુંભમેળા જેવા જાતભાતના મેળાઓની ગિરદીમાં કચરાઈને મરે છે. વર્ષે હજારો નિર્દોષો દંગાફસાદ ને બોમ્બિંગ ને લિંચિંગથી મરે છે. વર્ષે હજારો લોકો સાચાખોટા એન્કાઉન્ટરમાં મરે છે. બસ સરકાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ વિકાસની આ ઝડપ વધારવાની છે. બસ વિકાસ માટે જરૂર છે સૌના સાથની. આવતા પાંચ વર્ષોમ...