Skip to main content

જતોજી ઠાકોર


કાવ્ય : 9

*
ધોળા દહાડે
કોઈનીય બાયડીની છાતીને ચૂંટી ખણી આવે એવો જાલિમ ને જોરાવર.
દારુની વેપારણ,
જાજરમાન શકરીકાકીને
એ રીતે જ એ પરગામના મેળામાંથી ઉપાડી લાવેલો
ને ઘરમાં ઘાલી દીધી હતી.
ભર શિયાળે
જતોજી બંડીય ના પહેરે.
બે શીશા દારુ ચઢાવી,
એની ભેંસ પર સવાર થઈ,
જાય ખારી નદી ભણી.
અમે ભેખડે ઊભા ઊભા ખેલ જોઈએ :
એ ચોમાસાના પહેલા પૂરને રોકવાના પ્રયાસ કરે.
અરવલ્લીના ડુંગરમાંથી ઉતરતાં જ
ગાંડીતૂર થયેલી ખારીના પ્રવાહ આગળ એ સૂઈ જાય,
એમને વળોટીને આગળ ધસતા પ્રવાહની પાછળ દોડે,
આડા સુઈને વળી એને રોકવાનો પ્રયત્ન કરે.
અમને એમ કે જતોજી જમ
જળબંબાકારમાં હોઈયાં થઈ ગયો,
ગામનો ઉતાર સમુદ્રમાં વહી ગયો.
પણ ત્રીજા દિ બપોરે તો એમના ખેતરની
અંધારી ઝૂંપડીમાં દીવો થાય,
સવારે તો એ જ એમનો બે શીશા દારૂ
ને ભેંસ ને નદી!
આમ તો અમારો એ ઘરાક
ને અમે એના વહવાયા,
પણ શેઢાપાડોશીય ખરા.
બીજા કોઈની મજાલ નહીં
અમને વતાવવાની,
પણ એ મનફાવે ત્યારે ગડદાપાટુનો માર મારી જાય બાપુને!
કોઈની જીગર નહીં
અમારા ખેતરમાં ચોરી કરવાની,
હા, એ ચોરીચપાટી કરી લે બિન્ધાસ્ત.
'હોરી આઈ તે ખજૂર ખાવા ના જોઈએ અમારે?
ચપટી રુ વાંણિયાન વેચીન
હાયડા ખાધા એમાં હિરિયા
તારી માફાડુ શેની રાવ નાંખ સ?'
અમે સૌ થથરી જતા.
અમારા ખેતરની છાપરી નીચે ભરાઈ જતા.
પણ આ નાગપાંચમે તો
જાળાંઝાંખરા ભેળા કરી બાપુએ તો ડૂંગર કર્યો ખેતરના ખૂણે.
'
લે, કાળિયા દિવાહળી ચાંપ.'
ભડકો ભાળી જતોજી ભડક્યો હશે
તેે ધોડ્યો અમારી છાપરીએ.
ત્રણ ઢેખાળા વચ્ચે દીવો સળગાવી
બાપુ તો આખા ખેતરમાં ઘોઘાની કૂલેરને
ગુલાલની જેમ વેરવા લાગ્યા.
'મારા પૂંજાબાપા, મારા ઘોઘાબાપા,
મારા ખેતરપાળબાપા,
હારુ થયું તમે અમને આજ દર્શન આલ્યાં.
અમારો તો ઊભો પાક ભેલાડી જાય છે જનાવર ને માંણહ.'
ટોળામાંથી જતોજી છૂમંતર થઈ ગયો.
માગશરની ટાઢથી ન ધ્રૂજતો જતોજી
અઠવાડિયા લગી કાંપતો રહ્યો એની ઝૂંપડીમાં.
બાપુ કે બાપુના સૂના ખેતર ભણી
હવે એ નજરેય નથી માંડતો.
*
નીરવ પટેલ
27-12-2018
(નોંધ : બને કે કોઈને વાર્તા જેવું લાગે, પણ મારે મન આ કવિતા જ છે. શક હોય તો પ્રો મહેન્દ્રસિંહ પરમાર જેવા સ્વરમર્મીઓના મુખે આનું પઠન કરાવી જૂઓ.)

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ...

સૌનો સાથ, સૌનો વિકાસ

કાવ્ય - 29 * દેશને અવ્વલ નંબરે લઈ જવા રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને સરકાર તનતોડ મહેનત કરી રહ્યાં છે : આર્થિક સલાહકારો કહે છે હરહાલતમાં માથાદીઠ આવક વધવી જોઈએ, હરહાલતમાં જીડીપી વધવી જોઈએ. પણ ઉત્પાદન વધારવું બહુ અઘરો રસ્તો છે, વિકલ્પે સહેલો રસ્તો છે દેશમાં માથાં ઘટાડો. રેશિયો ઓટોમેટિક ઝડપથી ઊંચો ચઢતો જશે. દેશવાસીઓ આ મહાપ્રોજેક્ટમાં પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે : વર્ષે હજારો લોકો એક્સિડન્ટમાં પોતાના જાનની આહુતિ આપી દે છે. વર્ષે હજારો નાગરિકો પતંગોત્સવ જેવા જાતભાતના ઉત્સવોમાં મરે છે. વર્ષે હજારો સ્ત્રીઓ રેઈપ અને ઓનર કિલિંગ અને ડોમેસ્ટિક વાયોલન્સમાં મરે છે. સરકાર પણ પોતાના સિરિયસ પ્રયત્નો કરી રહી છે : વર્ષે હજારો ખેડૂતો ને બેકારો ને વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ કરી રહ્યા છે. વર્ષે હજારો ધાર્મિકો કુંભમેળા જેવા જાતભાતના મેળાઓની ગિરદીમાં કચરાઈને મરે છે. વર્ષે હજારો નિર્દોષો દંગાફસાદ ને બોમ્બિંગ ને લિંચિંગથી મરે છે. વર્ષે હજારો લોકો સાચાખોટા એન્કાઉન્ટરમાં મરે છે. બસ સરકાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ વિકાસની આ ઝડપ વધારવાની છે. બસ વિકાસ માટે જરૂર છે સૌના સાથની. આવતા પાંચ વર્ષોમ...