Skip to main content

ઈન્ડેક્સ


કાવ્ય :10
ઈન્ડેક્સ
*
સંશોધિકા,
શતાબ્દીઓની કે સહસ્રાબ્દીઓની,
બધી વ્યથાકથાઓ સામટી ઉકેલવા પ્રયત્ન કરીશ તો તું બેભાન જ થઈ જઈશ.
તને લાઈબ્રેરીમાંથી સીધી ICUમાં
લઈ જવી પડશે.
દસ મણ ઓક્સિજન ચઢે,
કદાચ તુ બચી જાય!
ફરીથી હિંમત કરે
તો ડીઓના ફૂવારાઓય ગોઠવવા પડશે-
થીજીને કાળા થઈ ગયેલા
લોહીના રેલાઓ,
બર્બરતાથી ચૂંથી કાઢેલ
ને પછી હજારો વર્ષોના નાળામાં સડતાં એ માસુમ દલિતાઓનાં કંકાલો ...
એટલે સ્વસ્થતાથી સંશોધન કરવુ હોય
તો જસ્ટ એક નાનકડી વ્યથાકથાથી શરુઆત કર,
અને તેય સાવ તાજેતરની.
જો આ પ્રેસકટિંગ્સ
ઊના અત્યાચારકાંડનાં છે.
સમાચાર છે :
મ્રુત ગાયનું ચામડું ઉતારતા
ચમાર પરવારનાં જ ચામડાં ઉતારી કાઢ્યાં ઉજળિયાતોએ!
પછી ઝાંઝમેર, ચિત્રોડીપુરા, જેતલપુર, પોરબંદર, જામનગર ...
એમ ગામદીઠ, શહેરદીઠ
કતરણ કાઢ.
મિડિયામાં ચગેલાં કરતાં, કોઈ
નહીં નોંધાયેલા
મ્રુતક સાથે જ ભોમમાં ભંડરાયેલ
વિતકની તને કલ્પના થાય છે?
કોઈ નિર્દોષ છૂટી ગયા હશે,
કોઈ મરી ગયા હશે
તો કોઈ જેલ કાપીને મજેથી જીવતાય હશે!
એમની જીભ તો હજી લલચાતી હશે
સ્માર્ટ , દલિત આધુનિકાઓને જોઈને!
સંશોધિકા,
વર્ષો થયેય પૂરો ન થાય તેવો તારો
'
દલિત એટ્રોસિટીઝ એન્ડ સોશિયલ જસ્ટિસ'નો પ્રોજેકટ
અનેક પેઢીઓના પરિશ્રમ પછી પણ અધૂરો રહી જવાનો છે.
તું જુનો એક ઉકેલે,
ત્યાં તો સેંકડો નવાના ન્યૂઝ
લઈ આવે છે પત્રકારો,
કર્મશીલો.
હમણાં તો તું
આ માણસખાઉ ભેડિયાઓની
નામજોગ એક ઈન્ડેકસ જ તૈયાર કર.
દલિત યુવાઓ આ જંગલી પ્રાણીઓને જોવા-ઓળખવા માગે છે.
ઓકસફર્ડવાળા મલ્ટિ-વોલ્યૂમ સિરિઝ બહાર પાડે ત્યારે ખરા,
પણ એની એક કોપી
'
ભીમ આર્મિ'ના કમાન્ડરને
તો જરુરથી પહોંચાડજે.
તે એમની ખબરઅંતર પૂછવા માગે છે :
કહે છે કે માણસની જાતમાં ખપી જતાં આ જંગલી જનાવરો માટે
એણે એક એનિમલ ફાર્મ ખોલ્યું છે.
ન્હોર કાપી લેવાથી,
શિંગડાં કાપી કાઢવાથી,
નાકમાં નાથ પહેરાવી દેવાથી
માણસ તો ઠીક,
જંગલી જાનવરમાંથી પાલતુ પ્રાણી
તો બનાવી શકાય, કદાચ.
*
નીરવ પટેલ
28-12-2018



Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ...

પાગલ

કાવ્ય : 56 * આગથી શાતા મળે છે ને પાણીથી દઝાય છે -- હું એમ કહું તો તમે મને પાગલ કહેશો. આ મંતરેલું પાણી તમારા કોઈ પણ શત્રુ પર છાંટશો તો એને લોહીની ઊલટીઓ થશે ને ત્યાં ને ત્યાં જ મરી જશે -- હું એમ કહું તો તમે મને મહાન ભૂવાજી માની લેશો. આ કાળકામાની છબિને પૂર્વના ટોઈલેટમાં અને આ ટોઈલેટ ક્લીનરને ડ્રોઈંગ રૂમમાં ટિંગાડો -- હું એમ કહું તો તમે મને પાગલ માનશો. પૂર્વમાં આવેલા કિચનને તોડીને દક્ષિણમાં અને દક્ષિણમાં આવેલા મંદિરને પૂર્વમાં ફેરવો -- એમ કહું તો તમે મને મહાન વાસ્તુશાસ્ત્રી માનશો. સૂર્ય પશ્ચિમમાં ઊગે છે ને પૂર્વમાં આથમે છે -- એમ કહું તો તમે મને પાગલ કહેશો. રાહુ અને કેતુમાં તમારો સૂર્ય ફસાયો છે ને તમારી દશા બેઠી છે, સાતેક હજારના પૂજાપાથી સૂર્યને તમારા જીવનમાં પુન: ઝળહળતો કરી શકાય છે -- એમ કહું તો તમે મને મહાન તાંત્રિક, મહાન જ્યોતિષી માનશો. હું પાગલ છું કારણ કે હું દેખીતી રીતે જ મહા વિરોધાભાસી વાત કરું છું. હું મહા મેધાવી છું કારણ કે હું દૈવીશક્તિઓની અગડંબગડં વાત કરું છું. * નીરવ પટેલ 9-2-2019