Skip to main content

બ્રાહ્મણ

કાવ્ય : 53

*
ધમ્મપદમાં બુદ્ધ કહે છે
બ્રાહ્મણ એ છે જે પ્રબુદ્ધ છે.
એટલે કે જે પ્રબુદ્ધ છે તે સૌ બ્રાહ્મણ છે.
એટલે કે અન્ય સૌ ઈતરવર્ણીની જેમ
નામજોગી બ્રાહ્મણોય
બે પ્રકારના હોઈ શકે :
જ્ઞાની અને અજ્ઞાની,
પ્રબુદ્ધ અને બુદ્ધુ.
પ્રગતિશીલ અને પુરાણપંથી,
પ્રોગ્રેસિવ અને કન્ઝર્વેટિવ.
મારા અનેક બ્રાહ્મણ મિત્રો પ્રબુદ્ધ છે,
બેચાર બુદ્ધુઓ પણ છે,
પણ છે સૌ ઈતરવર્ણી માણસ જેવા
પ્રેમાળ અને ભલાભોળા બુદ્ધુઓ.
પણ અનેકો બ્રાહ્મણો
હજી પુરાણોને જ બ્રહ્મજ્ઞાન માને છે,
સ્મૃતિઓને જ શ્રેષ્ઠજ્ઞાન માને છે.
હર બિનબ્રાહ્મણની જેમ
તેઓ છેલ્લી વીસેક સદીઓના સેક્યુલર નવજ્ઞાનસર્જનથી વંચિત છે.
એટલે જ સૌ બિનબ્રાહ્મણોની જેમ તેઓ બુદ્ધુઓ પણ છે.
અલબત્ત, ઈતરવર્ણીઓથી ભારે કટ્ટર.
જન્મથી જ પોતાને સર્વોચ્ચ માને,
ઈતરવર્ણીઓને જન્મથી જ ઉતરતા ને હીન માને,
શૂદ્રોને તો ગુલામ જ સમજે,
અતિશૂદ્રોને તો પશુઓથીય પતિત ને પાપી માને,
તેમના પડછાયાથીય અભડાય.
માનવી માત્રની જેમ બ્રાહ્મણો પણ બે પ્રકારના હોય છે : પ્રબુદ્ધ અને બુદ્ધુ.
એ જ પૂરાવો છે
બધા બ્રાહ્મણો બ્રાહ્મણ નથી હોતા,
તેઓ અન્ય સૌ માનવીઓની જેમ જ ઉત્ક્રાંતિથી સંસ્કૃતિ તરફના પ્રવાસીઓ હોય છે.
જેમ બાકીના સૌ
ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નથી હોતા,
કેવળ માનવીઓ જ હોય છે,
પ્રબુદ્ધ કે બુદ્ધુ.
*
નીરવ પટેલ
6-2-2019

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

સૌનો સાથ, સૌનો વિકાસ

કાવ્ય - 29 * દેશને અવ્વલ નંબરે લઈ જવા રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને સરકાર તનતોડ મહેનત કરી રહ્યાં છે : આર્થિક સલાહકારો કહે છે હરહાલતમાં માથાદીઠ આવક વધવી જોઈએ, હરહાલતમાં જીડીપી વધવી જોઈએ. પણ ઉત્પાદન વધારવું બહુ અઘરો રસ્તો છે, વિકલ્પે સહેલો રસ્તો છે દેશમાં માથાં ઘટાડો. રેશિયો ઓટોમેટિક ઝડપથી ઊંચો ચઢતો જશે. દેશવાસીઓ આ મહાપ્રોજેક્ટમાં પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે : વર્ષે હજારો લોકો એક્સિડન્ટમાં પોતાના જાનની આહુતિ આપી દે છે. વર્ષે હજારો નાગરિકો પતંગોત્સવ જેવા જાતભાતના ઉત્સવોમાં મરે છે. વર્ષે હજારો સ્ત્રીઓ રેઈપ અને ઓનર કિલિંગ અને ડોમેસ્ટિક વાયોલન્સમાં મરે છે. સરકાર પણ પોતાના સિરિયસ પ્રયત્નો કરી રહી છે : વર્ષે હજારો ખેડૂતો ને બેકારો ને વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ કરી રહ્યા છે. વર્ષે હજારો ધાર્મિકો કુંભમેળા જેવા જાતભાતના મેળાઓની ગિરદીમાં કચરાઈને મરે છે. વર્ષે હજારો નિર્દોષો દંગાફસાદ ને બોમ્બિંગ ને લિંચિંગથી મરે છે. વર્ષે હજારો લોકો સાચાખોટા એન્કાઉન્ટરમાં મરે છે. બસ સરકાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ વિકાસની આ ઝડપ વધારવાની છે. બસ વિકાસ માટે જરૂર છે સૌના સાથની. આવતા પાંચ વર્ષોમ...

અલવિદા સરસ્વતી

કાવ્ય : 62 * મને પ્રેમ કરવા બદલ તારો આભાર, પ્રિય સરસ્વતી. મેં કઠોર તપ કરી તને પ્રાપ્ત કરી હતી તારા બ્રહ્મર્ષિ પિતા પાસેથી. સાહીઠ રાત્રિઓમાં તારી કૂખે સાહીઠ કવિતાઓ જન્મી, અને હવે તું વદાડ પૂરો થતાં વિદાય માંગે છે. સ્વર્ગનાં સુખ છોડી તું એક દલિત કવિની કમ્પેનિયન બની, તેં તારાં શ્વેત વસ્ત્રો ફગાવી દીધાં, તેં સ્મશાની રાખે રજોટાયેલ સાડી ઓઢી લીધી, તું અસ્પ્રુશ્યા બની ગઈ, થેરવાડામાં રહેવા આવી, વાળુ માગવા તેં તારી મધુર વીણાને વેગળી કરી, થેરી...થેરી... કહી સવર્ણો તારું અપમાન કરતા, અરે, વહેલી સવારે એમનું પાયખાનું પખાળતાં એમની વાસનાથી તું માંડ માંડ બચી... પ્રિય સરસ્વતી, અલવિદા. મને પ્રેમ કરવા બદલ તારો આભાર. હું તો ઈચ્છું કે તું આજીવન મારી સાથી-સંગી બની રહે. પણ તેં મને સાહીઠ બચ્ચાંઓની સોગાત આપી છે, તે સાહીઠ સરસ્વતીના અવતાર છે. એ સાઈઠ કવિતાઓ જે આપણાં લવ-ચિલ્ડ્રન છે તે કાલે તેમની રુદ્રવીણાઓ વગાડશે ને સ્વર્ગ-પ્રુથ્વીની સરહદો છિન્નભિન્ન કરી કાઢશે, પ્રુથ્વી પરની બધી કુરુપતાઓને ભગાડી મૂકશે, તેઓ સાહીઠ રાત્રિઓના વદાડ પર નહીં પણ દલિત કવિઓની સાથે આજીવન સંસાર માંડશે પ્રુથ્વી પર. સરસ્વતી, સા...