Skip to main content

મંથર સંસ્કૃતિ

પ્રક્રુતિએ તો મને સિંહવાઘવરુ જેવો જાનવર જ બનાવ્યો હતો,
સંસ્કૃતિ તારો આભાર,
તેં મને જાનવરમાંથી માણસ બનાવ્યો!
અલબત્ત, મને માણસ બનતાં ઘણી વાર લાગી રહી છે.
હજી લોહીમાંસનો આદિમ સ્વાદ દાઢમાં રહી ગયો છે
તે ક્યારેક ક્યારેક જાણ્યાઅજાણ્યા માણસને ભરખી ખાઉ છું.
મારી આખેટની સરહદો વિસ્તારતો જઈ,
બળજબરીથી ખદેડી મૂકુ છું
એને એના માદરેવતન જેવા ઈલાકામાંથી.
ભૂખ્યો ન હોઉં તોયે
એનું ખાવાનું ખૂંચવી લઉં છું એની થાળીમાંથી.
જંગલના રાજા બનવાના તોરમાં,
ચારેકોર મારી આણ વર્તાવા
કોઈને રાંક તો કોઈને ગુલામ તો કોઈને દલિત બનાવી મૂકું છું.
સંસ્કૃતિ તારો આભાર
તેં મને જનાવર નહીં માણસ બનાવ્યો.
અલબત્ત, તારી ગોકળગાયી ગતિથી હું નારાજ છું તારા પર.
મને ખરેખર માનવ બનતાં કેટલા યુગો લાગવાના છે?
*
નીરવ પટેલ
11-2-2019

Comments

Popular posts from this blog

કેન્ડલ માર્ચ

બળાત્કાર અને હત્યાનો ભોગ બનનાર નિર્ભયાને ન્યાય મળે એ હેતુથી યોજાયેલ કેન્ડલ માર્ચ મેં જોઈ હતી ટીવીને પડદે. પુરુષહિંસાનો ભોગ બનતી સ્ત્રીઓની એ સિરિયસ અને ડિસીપ્લીન્ડ પ્રોટેસ્ટ માર્ચ હતી, અલબત્ત એમાં ન્યાય અને સમાનતામાં માનતા સહ્દયી પુરુષો પણ જોડાયા હતા. ગઈ કાલે રાત્રે મેં પુલવામાના શહીદોના નામે યોજાયેલ કેન્ડલ માર્ચ જોઈ. આખા રોડ પર હજારો સ્ત્રીપુરુષબાળકોના એક હાથમાં મિણબત્તીઓ હતી, ને બીજા હાથમાં ભગવા ધ્વજો. એ સૌ ગળાફાડ સૂત્રોચ્ચાર કરતાં હતાં, માંગ કરતાં હતાં વિધર્મી દુશ્મનદેશને આવો જ લોહિયાળ પાઠ ભણાવી બદલો લેવાની. કેટલાક લોકો શહીદોના પરિવારો માટે ઝોળીઓ લઈ ફાળો પણ ઉઘરાવતા હતા. સૂત્રોચ્ચારો ઓર પ્રવોકેટિવ થતા જતા હતા. આયોજકોએ ટ્રેજડીને ધર્મ અને કોમના એંગલથી ઓર ઘેરી ઘૂંટી હશે, કદાચ કેન્ડલધારી ટોળાંઓ એટલે જ હોશોહવાસ ખોઈ બેઠાં હતાં. રોડની પેલે પાર બોર્ડરલાઈન પર વસતા સૌ પોતાનાં બંધ ઘરોમાંય ધ્રુજતા હતા, આગજની કે હિંસા ભડકવાની દહેશત વર્તાતી હતી માહોલમાં. આ શહીદોના માનમાં યોજાયેલ કેન્ડલ માર્ચ હતી કે કોઈ અદ્રશ્ય નેતાનો રોડ શો? કદાચ ટોળાંઓની જાણ બહાર કોઈ આ ગંજાવર ટ્રેજડીમ...

આદિવાસી

જાનવર થઈને જીવવું સારું, બિચારા મૂળનિવાસી આદિવાસી માણસનું તો આવી જ બન્યું છે આ દેશમાં. સિંહને અભયારણ્ય, વાઘને અભયારણ્ય, રીંછને અભયારણ્ય. ગાયને અભય ગૌચરો ને રાજમાર્ગો, જંગલી ગધેડાઓનેય એમનું આગવું અભયારણ્ય. આદિવાસીઓને એમનું અભયારણ્ય ક્યારે મળશે? બાવા આદમનાં બચ્ચાંઓને એમનું અભયારણ્ય ક્યારે મળશે? ગઈ કાલે સુપ્રીમ કોર્ટે પેનના એક ગોદે 20 લાખ આદિવાસીઓને ખદેડી મૂક્યા એમની જંગલઝૂંપડીઓમાંથી. સરકારો શ્રીમંતોના વિકાસ માટે આદિવાસીઓને લગાતાર નિરાશ્રિત નિર્વાસિત કરી મૂકે છે આ દેશમાં. ભોળાભલા આદિમાનવી થઈને પોતાની મસ્તીમાં લંગોટી પહેરી જીવ્યા ને જંગલનું જતન કર્યું એ જ તો એમનો ગુનો. વાઘવરુદીપડા હોત તો તો જંગલના રાજા હોત, આખું અરણ્ય એમને માટે અનામત હોત. જંગલમાં શું નથી? ધનિકોના બંગલાઓ માટે સાલ, સીસમ ને સાગ છે, રાજમાર્ગો માટે સિમેન્ટ, કોન્ક્રીટ ને આસ્ફાલ્ટ છે, શહેરીઓ માટે સોના ચાંદી લોખંડ કોલસા ગેસની ખાણો છે, જમીનદારો માટે બારમાસી નદીઓનાં પાણી છે, વીજળી છે, ઉદ્યોગપતિઓ માટે એકરો જમીન છે. શહેરીઓ પાસે નથી તો સસ્તા મજૂરો, વેઠિયાવૈતરિયાઓ, રામાઓ ને ગુલામો. શહેરીઓને જોઈએ છે એમ...

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...