Skip to main content

કલિંગબોધ

કાશ્મીરનું પુલવામા એટલે
લીલીછમ ડાંગરનાં ખેતરો
ને કૂણા કેસરની વાડીઓ.
પાણીથી છલોછલ સરોવરો
ને સેલારા મારતી નદીઓ.
ધરતી પરના આ સ્વર્ગને સમરાંગણ બનાવી દીધું છે જિદ્દી રાજકારણીઓએ:
સમાચાર છે
કોન્વોય કાઢીને નીકળેલા 40 સૈનિકોના ફૂરચેફૂરચા નીકળી ગયા
એક ફિદાયિનના RDXથી!
વળી એ પહેલાં સમાચાર હતા કે સર્જિકલ સ્ટ્રાઈકમાં
કેટલાક ફિદાયિનના પણ આમ જ ફૂરચેફૂરચા થઈ ગયેલા.
મારો કાપોનો આ સિલસિલો ચાલ્યા કરે છે.
ખંધા રાજકારણીઓ
ભગવાનો અને ધર્મગ્રંથોને ટાંકે છે :
આ ધર્મયુદ્ધ છે,
લડવું તમારું કર્તવ્ય છે.
જીતશો તો રાજા થશો,
ને મરશો તો તમને સ્વર્ગની હૂર અને અપ્સરાઓ મળશે.
સામ્રાજ્યવાદીઓ જિહાદો ને અશ્વમેધ યજ્ઞો કરી પોતાની આણમાં લાવે છે પોતાની મોજમાં જીવતી
પાડોશી પ્રજાઓને.
પણ તેઓ ભૂલી જાય છે
આઝાદી સૌને પ્યારી હોય છે,
ને આધિપત્ય કોઈનું ગમતું નથી.
સ્વાતંત્ર્ય માટે લોકો શહીદી
વહોરી લે છે,
આઝાદી માટે લોકો વીરગતિને પ્રાપ્ત થાય છે.
અફસોસ, મહાભારતના યુદ્ધની કે વિશ્વયુદ્ધોની ભયંકર ખુવારી પછીય
કોઈ રાજામાં કલિંગબોધ જન્મતો નથી.
UNO શાન્તિનાં ચાર્ટરો છાપ્યા કરે છે,
ને ભારત જેવા દેશો 'વસુધૈવ કુટુંબકમ'ની ઓષ્ઠસેવાઓ આપ્યા કરે છે વિશ્વને.
*
નીરવ પટેલ
17-2-2019

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

અલવિદા સરસ્વતી

કાવ્ય : 62 * મને પ્રેમ કરવા બદલ તારો આભાર, પ્રિય સરસ્વતી. મેં કઠોર તપ કરી તને પ્રાપ્ત કરી હતી તારા બ્રહ્મર્ષિ પિતા પાસેથી. સાહીઠ રાત્રિઓમાં તારી કૂખે સાહીઠ કવિતાઓ જન્મી, અને હવે તું વદાડ પૂરો થતાં વિદાય માંગે છે. સ્વર્ગનાં સુખ છોડી તું એક દલિત કવિની કમ્પેનિયન બની, તેં તારાં શ્વેત વસ્ત્રો ફગાવી દીધાં, તેં સ્મશાની રાખે રજોટાયેલ સાડી ઓઢી લીધી, તું અસ્પ્રુશ્યા બની ગઈ, થેરવાડામાં રહેવા આવી, વાળુ માગવા તેં તારી મધુર વીણાને વેગળી કરી, થેરી...થેરી... કહી સવર્ણો તારું અપમાન કરતા, અરે, વહેલી સવારે એમનું પાયખાનું પખાળતાં એમની વાસનાથી તું માંડ માંડ બચી... પ્રિય સરસ્વતી, અલવિદા. મને પ્રેમ કરવા બદલ તારો આભાર. હું તો ઈચ્છું કે તું આજીવન મારી સાથી-સંગી બની રહે. પણ તેં મને સાહીઠ બચ્ચાંઓની સોગાત આપી છે, તે સાહીઠ સરસ્વતીના અવતાર છે. એ સાઈઠ કવિતાઓ જે આપણાં લવ-ચિલ્ડ્રન છે તે કાલે તેમની રુદ્રવીણાઓ વગાડશે ને સ્વર્ગ-પ્રુથ્વીની સરહદો છિન્નભિન્ન કરી કાઢશે, પ્રુથ્વી પરની બધી કુરુપતાઓને ભગાડી મૂકશે, તેઓ સાહીઠ રાત્રિઓના વદાડ પર નહીં પણ દલિત કવિઓની સાથે આજીવન સંસાર માંડશે પ્રુથ્વી પર. સરસ્વતી, સા...

સૌનો સાથ, સૌનો વિકાસ

કાવ્ય - 29 * દેશને અવ્વલ નંબરે લઈ જવા રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને સરકાર તનતોડ મહેનત કરી રહ્યાં છે : આર્થિક સલાહકારો કહે છે હરહાલતમાં માથાદીઠ આવક વધવી જોઈએ, હરહાલતમાં જીડીપી વધવી જોઈએ. પણ ઉત્પાદન વધારવું બહુ અઘરો રસ્તો છે, વિકલ્પે સહેલો રસ્તો છે દેશમાં માથાં ઘટાડો. રેશિયો ઓટોમેટિક ઝડપથી ઊંચો ચઢતો જશે. દેશવાસીઓ આ મહાપ્રોજેક્ટમાં પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે : વર્ષે હજારો લોકો એક્સિડન્ટમાં પોતાના જાનની આહુતિ આપી દે છે. વર્ષે હજારો નાગરિકો પતંગોત્સવ જેવા જાતભાતના ઉત્સવોમાં મરે છે. વર્ષે હજારો સ્ત્રીઓ રેઈપ અને ઓનર કિલિંગ અને ડોમેસ્ટિક વાયોલન્સમાં મરે છે. સરકાર પણ પોતાના સિરિયસ પ્રયત્નો કરી રહી છે : વર્ષે હજારો ખેડૂતો ને બેકારો ને વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ કરી રહ્યા છે. વર્ષે હજારો ધાર્મિકો કુંભમેળા જેવા જાતભાતના મેળાઓની ગિરદીમાં કચરાઈને મરે છે. વર્ષે હજારો નિર્દોષો દંગાફસાદ ને બોમ્બિંગ ને લિંચિંગથી મરે છે. વર્ષે હજારો લોકો સાચાખોટા એન્કાઉન્ટરમાં મરે છે. બસ સરકાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ વિકાસની આ ઝડપ વધારવાની છે. બસ વિકાસ માટે જરૂર છે સૌના સાથની. આવતા પાંચ વર્ષોમ...