Skip to main content

બજેટ

કાવ્ય : 49

*
બજેટ દર વર્ષે આવે.
જાણે લોટરીની ટિકિટ લઈ બેઠો હોય
એમ દેશનો હર નાગરિક આશા રાખીને બેઠો હોય :
અબ અચ્છે દિન આયેંગે!
પણ લોટરી ખૂલે,
ત્યારે લાગે લાગવગિયા લખપતિઓને, ક્રોની કરોડપતિઓને.
કોઈને કરમાં લાખોની રાહત,
તો કોઈને ટેક્સમાં કરોડોનું વળતર.
વિકાસને નામે બાપડા ખેડૂની જમીન સસ્તામાં ખૂંચવી લે
ને ઉદ્યોગપતિને મફતના ભાવમાં પધરાવે.
મફત પાણી આપે, વીજળી આપે,
રોડ આપે, રેલ આપે,
વેઠના ભાવે મજૂર આપે.
આવક વગરના બેકાર ને ગરીબ નાગરિકો તો મોં વકાસીને
વળી પાછા રાહ જૂએ આવતા વર્ષની.
ને એમ એક પછી એક બજેટ આવતાં રહે ને વર્ષો વિતતાં રહે :
બેકારી જાય, ગરીબી જાય,
આવક થાય, ખર્ચ કરી શકાય
ને વેરો ભરી શકાય
ત્યારે થોડીકેય રાહત કે વળતરને લાયક 'નાગરિક' બની શકાય ને!
પહેલાં તો લોકો માનતા કે
બેકારી દૂર કરે, ગરીબી દૂર કરે
એને બજેટ કહેવાય.
પણ હવે એમને સમજાવા લાગ્યું છે ગરીબ ઓર ગરીબ થાય,
અમીર ઓર અમીર થાય
એનું નામ બજેટ કહેવાય.
સિત્તેર બજેટના ભંગાર પર સૂતેલા ડોસાને હવે કોઈ બજેટનો ઈન્તઝાર નથી,
એ તો ચૂંટણીઓની જેમ આવે ને જાય.
સવાર પડે એનો કોથળો લઈને ભંગાર વીણે છે
ને રાત પડે ફૂટપાથ પર સૂઈ જાય છે.
*
નીરવ પટેલ
2-2-2019

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ...

પાગલ

કાવ્ય : 56 * આગથી શાતા મળે છે ને પાણીથી દઝાય છે -- હું એમ કહું તો તમે મને પાગલ કહેશો. આ મંતરેલું પાણી તમારા કોઈ પણ શત્રુ પર છાંટશો તો એને લોહીની ઊલટીઓ થશે ને ત્યાં ને ત્યાં જ મરી જશે -- હું એમ કહું તો તમે મને મહાન ભૂવાજી માની લેશો. આ કાળકામાની છબિને પૂર્વના ટોઈલેટમાં અને આ ટોઈલેટ ક્લીનરને ડ્રોઈંગ રૂમમાં ટિંગાડો -- હું એમ કહું તો તમે મને પાગલ માનશો. પૂર્વમાં આવેલા કિચનને તોડીને દક્ષિણમાં અને દક્ષિણમાં આવેલા મંદિરને પૂર્વમાં ફેરવો -- એમ કહું તો તમે મને મહાન વાસ્તુશાસ્ત્રી માનશો. સૂર્ય પશ્ચિમમાં ઊગે છે ને પૂર્વમાં આથમે છે -- એમ કહું તો તમે મને પાગલ કહેશો. રાહુ અને કેતુમાં તમારો સૂર્ય ફસાયો છે ને તમારી દશા બેઠી છે, સાતેક હજારના પૂજાપાથી સૂર્યને તમારા જીવનમાં પુન: ઝળહળતો કરી શકાય છે -- એમ કહું તો તમે મને મહાન તાંત્રિક, મહાન જ્યોતિષી માનશો. હું પાગલ છું કારણ કે હું દેખીતી રીતે જ મહા વિરોધાભાસી વાત કરું છું. હું મહા મેધાવી છું કારણ કે હું દૈવીશક્તિઓની અગડંબગડં વાત કરું છું. * નીરવ પટેલ 9-2-2019