Skip to main content

શાંગ્રિલા

કાવ્ય : 15

*
તંગ આવી ગયો છું
આ લિંચિસ્તાનથી.
આ રેપિસ્તાનથી.
આ ભદ્રિસ્તાનથી.
મારું શાંગ્રિલા શોધું છું.
ઘેર ઘેર સોનાનો સૂરજ ઉતારવાનું વચન આપીને સામ્યવાદીઓ તો અધવચ્ચે જ ફસકી પડ્યા,
કાં ખુદ જ ફાસિસ્ટ બની ગયા.
ને સમરસતાવાદીઓ તો એમના ઈરાદાઓ સાથે જ ઉઘાડા પડી ગયા.
હવે એક આશા છે મ્રુત્યુમાં.
બસ મરું એટલી જ વાર છે.
વેજલપૂરના સ્મશાનગ્રુહના ધૂમાડિયામાંથી છટકીને
આકાશ માર્ગે ઉડતો ઉડતો
ઉતરું હિમાલયની લીલીછમ તળેટીઓમાં,
ખાનાબદોશોની વસતીઓમાં.
કે એની સદાનીરા સરિતાઓમાં ઓગળી જાઉં.
કે તાજા જ ખેડાયેલા એના કોઈ ખેતરના ચાસમાં રોપાઈ જાઉં.
મને વિશ્વાસ છે મને નવીનક્કોર નાગરિકતા-રાષ્ટ્રિયતા મળશે.
મારી હાલત ઈરાક કે મ્યામારના શરણાર્થીઓ જેવી નહીં થાય.
લોકો કહે છે અહીંના સૌ નાગરિકોને બૌદ્ધ ધર્મરાજા જેવાં જ લૂગડાં મળે છે.
રાજારૈયતમાં કશો ફરક જ નહીં.
કોઈ મારા પોશાકથીય વર્તી નહી શકો
હું પુરુષ છું કે સ્ત્રી.
ન કોઈની કોટે પવિત્ર જનોઈઓ,
ન કોઈની પૂંઠે સાવરણાઓ.
હું દલિત છું કે બ્રાહ્મણ --
અહીં તો કોઈને એવી કશી જાણફિકર જ નહીં કોઈના વિશે.
સૌ માનવી.
સૌ સરખા.
સૌ સરખા સુખી,
સૌ સરખા દુઃખી.
કોઈને પિઝા ને કોઈને ખડધાન
એવું નહીં.
કોઈને બંગલી ને કોઈને છાપરી
એવું નહીં.
કોઈને પિટર ઈંગ્લેન્ડ ને
કોઈને કાંઠલા વગરનું બાંડિયું
એવું નહીં.
જીવવાના અને મજેથી જીવવાના
મારા મહત્વના કામમાં કશી ખલેલ ન પડે
ને ઉપરથી મદદ મળે,
તો મારે ભોળાભાઈને જાણીને શું કામ છે
મારા દેશમાં રાજાશાહી છે કે લોકશાહી?
એનો મુદ્રાલેખ આપણા નીરોલેન્ડના મુદ્રાલેખ જેવો જ છે અદ્દલ :
'સૌનો સાથ, સૌનો વિકાસ' --
કોઈ પાછળ રહી જવું ના જોઇએ,
કોઈને કપાળે 'ઉજળિયાત' કે 'પછાત'ની ઓળખ છૂંદેલી ના હોવી જોઈએ.
માનવીના જીવનના ભોગે પ્રગતિ નહીં,
ભલે દુનિયા 'પછાત' કહીને હાંસી ઉડાવતી.
એટલે જ તો માનવી માત્રને સુખ મળે
એ દેશને શાંગ્રિલા કહેવાય છે.
ભલે નથી રેલ કે રસ્તાઓ.
પણ હેપિનેસની વર્લ્ડ ઈન્ડેકસમાં
મારો નવો દેશ આવે છે સર્વ પ્રથમ.
અહીં GDP નહીં, GNH મપાતી રહે છે.
કોઈ કહે તો ખરું
દેવભૂમિ દ્વારકામાં દલિત દેવદાસી તરીકે જીવવામાં નાગરિકનું શું ગૌરવ છે?
આઈ એમ પ્રાઉડ ઓફ માય ન્યૂ નેશનાલિટી,
માય ન્યૂ સિટિઝનશીપ.
તો ઝાઝા જુહાર, માય મધરલેન્ડ
બાય બાય, માય ફાધરલેન્ડ
અલવિદા, માય કાસ્ટ્સલેન્ડ.
*
નીરવ પટેલ
2/1/2019

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ...

પાગલ

કાવ્ય : 56 * આગથી શાતા મળે છે ને પાણીથી દઝાય છે -- હું એમ કહું તો તમે મને પાગલ કહેશો. આ મંતરેલું પાણી તમારા કોઈ પણ શત્રુ પર છાંટશો તો એને લોહીની ઊલટીઓ થશે ને ત્યાં ને ત્યાં જ મરી જશે -- હું એમ કહું તો તમે મને મહાન ભૂવાજી માની લેશો. આ કાળકામાની છબિને પૂર્વના ટોઈલેટમાં અને આ ટોઈલેટ ક્લીનરને ડ્રોઈંગ રૂમમાં ટિંગાડો -- હું એમ કહું તો તમે મને પાગલ માનશો. પૂર્વમાં આવેલા કિચનને તોડીને દક્ષિણમાં અને દક્ષિણમાં આવેલા મંદિરને પૂર્વમાં ફેરવો -- એમ કહું તો તમે મને મહાન વાસ્તુશાસ્ત્રી માનશો. સૂર્ય પશ્ચિમમાં ઊગે છે ને પૂર્વમાં આથમે છે -- એમ કહું તો તમે મને પાગલ કહેશો. રાહુ અને કેતુમાં તમારો સૂર્ય ફસાયો છે ને તમારી દશા બેઠી છે, સાતેક હજારના પૂજાપાથી સૂર્યને તમારા જીવનમાં પુન: ઝળહળતો કરી શકાય છે -- એમ કહું તો તમે મને મહાન તાંત્રિક, મહાન જ્યોતિષી માનશો. હું પાગલ છું કારણ કે હું દેખીતી રીતે જ મહા વિરોધાભાસી વાત કરું છું. હું મહા મેધાવી છું કારણ કે હું દૈવીશક્તિઓની અગડંબગડં વાત કરું છું. * નીરવ પટેલ 9-2-2019