Skip to main content

છેટા રહેજો

કાવ્ય : 51

*
'છેટા રહેજો, કૂતરું હડકાયું થયું છે.'
ભાદરવો આવે ને દલિત વેઠિયો આખા ગામને ચેતવે.
માણસને શિંગડાં ફૂટે,
પૂંછડી ઊગે,
ન્હોર નીકળે,
વાઘદાંત બહાર આવે
ને લોકોને ભરખી ખાય
ત્યાં લગી કોઈને અણસાર ના આવે.
કોઈ કહે નહીં :
આ જનાવરથી છેટા રહેજો!
એ ચાર પગે ચાલતો નથી
એટલા ખાતર જ વર્તાતો નથી.
એ પ્રાણીઓની નહીં પણ પાર્લામેન્ટરી ભાષા બોલે છે
એટલે જ પરખાતો નથી.
એ ખાદીસિલ્કના સફેદ કુર્તાબંડી પહેરે છે
એટલે જ ઓળખાતો નથી.
એ પોતાને જનતાનો સેવક કહે છે
એટલે જ લોકોને વાઘવરુ કે આખલાપાડા જેવો લાગતો નથી.
પણ બહુ ભેલાડ કરે છે એ,
દેશમાં કોઈને કોઈને તો એ દબોચી લે છે.
આમ તો સૌ પરેશાન છે
આ માણસખાઉ જાનવરથી.
હું પરગજુ થઈને ગામવચાળે મોટી બૂમો પાડી ચેતવું છું : છેટા રહેજો,
માણસ જાનવર થયાં છે.
ત્યારે લોકો મારાથી છેટા રહે છે,
મને અછૂત માને છે,
મને ખોટો ખબરી માની મારો જ બહિષ્કાર કરી દે છે.
હડકાયા કૂતરાને આખું ગામ ઓળખી જાય છે,
બેપગા માણસખાઉ જાનવરને કોઈ ઓળખી શકતું નથી.
એની સેવાથી છેતરાઈને
એને જ સૌ પોતાનો રક્ષક માને છે,
એને જ ફરી ફરી પોતાનો રાજા નિમે છે.
મને અછૂત ગણો કે અસ્પ્રુશ્ય,
હું તો પ્રજાપ્રેમી દેશપ્રેમી વેઠિયો છું,
હું મારા ભાગની વેઠ અદા કરીશ
અને દેશ આખામાં સાદ પાડીશ :
માણસ જાનવર થયાં છે,
છેટા રહેજો.
*
નીરવ પટેલ
4-2-2019

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

અલવિદા સરસ્વતી

કાવ્ય : 62 * મને પ્રેમ કરવા બદલ તારો આભાર, પ્રિય સરસ્વતી. મેં કઠોર તપ કરી તને પ્રાપ્ત કરી હતી તારા બ્રહ્મર્ષિ પિતા પાસેથી. સાહીઠ રાત્રિઓમાં તારી કૂખે સાહીઠ કવિતાઓ જન્મી, અને હવે તું વદાડ પૂરો થતાં વિદાય માંગે છે. સ્વર્ગનાં સુખ છોડી તું એક દલિત કવિની કમ્પેનિયન બની, તેં તારાં શ્વેત વસ્ત્રો ફગાવી દીધાં, તેં સ્મશાની રાખે રજોટાયેલ સાડી ઓઢી લીધી, તું અસ્પ્રુશ્યા બની ગઈ, થેરવાડામાં રહેવા આવી, વાળુ માગવા તેં તારી મધુર વીણાને વેગળી કરી, થેરી...થેરી... કહી સવર્ણો તારું અપમાન કરતા, અરે, વહેલી સવારે એમનું પાયખાનું પખાળતાં એમની વાસનાથી તું માંડ માંડ બચી... પ્રિય સરસ્વતી, અલવિદા. મને પ્રેમ કરવા બદલ તારો આભાર. હું તો ઈચ્છું કે તું આજીવન મારી સાથી-સંગી બની રહે. પણ તેં મને સાહીઠ બચ્ચાંઓની સોગાત આપી છે, તે સાહીઠ સરસ્વતીના અવતાર છે. એ સાઈઠ કવિતાઓ જે આપણાં લવ-ચિલ્ડ્રન છે તે કાલે તેમની રુદ્રવીણાઓ વગાડશે ને સ્વર્ગ-પ્રુથ્વીની સરહદો છિન્નભિન્ન કરી કાઢશે, પ્રુથ્વી પરની બધી કુરુપતાઓને ભગાડી મૂકશે, તેઓ સાહીઠ રાત્રિઓના વદાડ પર નહીં પણ દલિત કવિઓની સાથે આજીવન સંસાર માંડશે પ્રુથ્વી પર. સરસ્વતી, સા...

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ...