Skip to main content

અનામત

કાવ્ય : 23

*
આખો દેશ ભિખારીઓનો થઈ ગયો છે.
પટેલો કહે છે અમે પછાત છીએ,
અમને અનામત આપો.
દરબારો કહે છે અમે પછાત છીએ,
અમને અનામત આપો.
બ્રાહ્મણો કહે છે અમે પછાત છીએ,
અમને અનામત આપો.
વાણિયાઓ કહે છે અમે પછાત છીએ,
અમને અનામત આપો.
હજારો વર્ષોના શોષણદમનને કારણ દેશના શૂદ્રો તો પછાત હતા જ,
પણ ગઈ કાલ લગી મૂછો આંબળીને પોતાને ફોરવર્ડ કહેતા લોકોય
હાથમાં ભીખનુ શકોરુ પકડી રાજમાર્ગો પર બૂમો પાડી પાડીને કહી રહ્યા છે :
અમે પછાત છીએ,
અમને અનામત આપો.
અને શાસકો કહે છે
દેશ બૂલેટ ટ્રેઈનની ઝડપે આગળ વધી રહ્યો છે,
દેશ કૂદકે ને ભૂસકે પ્રગતિ કરી રહ્યો છે,
દેશની જીડીપી દુનિયાના સૌ દેશો કરતાં વધુ છે,
દેશની ઈકોનોમી સૌથી વાઈબ્રન્ટ છે,
લોકોને લાખોનાં પેકેજ મળી રહયાં છે સેલરી તરીકે,
દેશમાં મોલ બની રહ્યા છે, મલ્ટિપ્લેક્સ બની રહ્યા છે, મેટ્રો બની રહી છે.
દેશ હવે અમેરિકા અને ચીન ને જાપાનને આંબી જવામાં છે.
બિચારા પછાત પટેલિયા,
બિચારા બેકવર્ડ બામણો,
બિચારા પછાત વાણિયાઓ,
બિચારા બેકવર્ડ બાપુઓ.
આ શાસકોએ શા હાલ કર્યા છે આ આબરુદાર ફોરવર્ડોના!
નર્યા ભિખારી બનાવી દીધા છે નગરશેઠોને, રાજપુરોહિતોને, રાજારજપૂતોને, આખા ગામની પટલઈ કરતા પાટીદારોને!
તે સૌ લાજશરમ મૂકીને આજે ઘાંટા પાડી રહ્યા છે ચૌટે ને ચૌરાહે :
અમે પછાત છીએ,
અમને અનામત આપો.
*
નીરવ પટેલ
10-1-2019

Comments