કાવ્ય : 43
વન ડે માતરમ
માતૃભૂમિને વંદન
એક નેચરલ ફીલિંગ છે.
જે ભૂમિએ મને અને મારા વડવાઓને
પાળ્યા પોષ્યા
એ ભૂમિને વંદે માતરમ્ .
એક વાર નહીં
કોટિ કોટિ વંદે માતરમ્ .
પણ કોઈ રંજાડી રહ્યું છે મારી માતૃભૂમિને.
કોઈ આપસઆપસમાં લડાવી રહ્યું છે
સૌ ભૂમિજાયાંઓને.
કોઈ છિનવી રહ્યું છે મારી માત્રુભૂમિને.
કોઈ હાંકી કાઢવા માગે છે મને મારી માતૃભૂમિના આગોશમાંથી.
એમનો ઈરાદો મને ખાનાબદોશ કરી મૂકવાનો છે.
હું આ આફતમાંય મનોમન
રટ્યા કરું છું :
વંદે માતરમ્ , વંદે માતરમ્ , વંદે માતરમ્.
તેઓ કોઈ એક દિવસે આવીને
ચોક વચ્ચે ધજા રોપે છે
ને મોટે મોટેથી ઘાંટા પાડે છે :
વન ડે માત્રમ્ ,
વન ડે માત્રમ્ ,
વન ડે માત્રમ્ !
આ અમારી પિતૃભૂમિ છે,
આ અમારી પૂણ્યભૂમિ છે.
એમ કહી પોતાને માતૃભૂમિના એક માત્ર દાવેદાર જાહેર કરી દે છે,
એક માત્ર વારસદાર જાહેર કરી દે છે.
બાકીના બધા અરબી સમુદ્રમાં ડૂબી મરો,
કાં વતનવછોયા થઈને દર દરની ઠોકરો ખાવ,
કાં દેશદ્રોહીના લેબલ સાથે રોજિંદાં લિંચિંગથી અહીં જ તમારા ઈશ્વર-અલ્લાહને પ્યારા થઈ જાવ.
પણ મરતાં મરતાંય
અમારે હોઠે તો હશે :
વંદે માતરમ્,
વંદે માતરમ્,
વંદે માતરમ્.
28.1.19
Comments
Post a Comment