Skip to main content

Rip Wan Winkle

કાવ્ય : 13

*
રિપ વાન વિંકલ
વીસ વર્ષે ઊઠ્યો,
ત્યારે આખી દુનિયા બદલાઈ ગયેલી.
આખું શહેર તળેઉપર થઈ ગયેલું.
દાતરડાં-કોદાળી બનાવવાની એની કોઢ ખોદાઈ ગયેલી.
અબ્દુલ ભાડભુંજાની શિંગચણાની ભઠ્ઠીય ખોદાઈ ગયેલી.
માવજીભૈની મીઠાની વખાર પણ ખોદાઈ ગયેલી.
રાક્ષસી થાંભલા ઉપર મેટ્રો ચઢી ગયેલી.
BRTSએ આખો મારગ હોઈયાં કરી કાઢેલો.
ખળખળ વહેતી સાબરમતીના કાંઠે rccની તોતિંગ પ્રવેશબંધી દિવાલો ચણાઈ ગયેલી.
આખા કાંકરિયા તળાવને ટિકિટ લઈને જોવાનું જેલખાનુ બનાવી દીધેલું.
આખું શહેર એક મોટું બોગદું થઈ ગયેલું,
એમાં સનનન કરતી ગોળી છૂટે એમ
બૂલેટ ટ્રેનમાં બેસી મુંબઈના શેઠિયાઓ આંખના પલકારે સ્માર્ટ સિટી પૂગી જાય.
એ સૂતો ત્યારે તો આખું શહેર
વહાલુ વહાલુ ને મોકળું મોકળું હતુ.
સૌ એકબીજાને ઓળખતાં હતાં,
અજાણ્યાંય મેળે આવ્યાં હોય એમ ઉમળકાથી મહાલતાં હતાં.
એણે આંખ ચોળીને પોતાના પાડોશી અબ્દુલ ચણામમરાવાળાને પૂછ્યું :
'ક્યાં ગયું આપણું શહેર?
મારી કોઢ ને તારી ભઠ્ઠી,
ને આપણા પરિવારો ને પાડોશીઓ?
વિંકલ, વિકાસના વાવાઝોડાની ઝપેટમાં આવી ગયું છે આપણું શહેર છેલ્લા બે દશકાથી.
જૂના ધંધા, જૂની ભાગીદારીઓ,
જૂની કોઢો ને જૂની પેઢીઓ,
જૂના ઘરાક ને જૂના વેપારીઓ,
અરે જૂની પેઢિઓ જૂના સંબંધો,
બધું મૂળ સાથે ઉખડી ગયું
આ વિકાસના વાવાઝોડામાં.
હવે તો શહેર સ્માર્ટ સિટી થઈ ગયું છે.
રિપ, હવે તું દાઢી નહીં રાખી શકે,
આ શહેરના નાગરિક ગણાવું હશે તો
તારે ક્લીન શેવ રહેવું પડશે.
અને હા, તારે તારું આ વિદેશી-વિધર્મી-વિચિત્ર નામ પણ બદલવું પડશે.
રિપના બદલે રામ કે રામદાસ જેવું કોઈ પવિત્ર નામ રાખવું પડશે.
અરે તને તો એય ખબર નહીં હોય આપણા શહેરનું તો નામય બદલાઈ ગયું છે!
જો પહેલાં જેવો લઘરો રહ્યો
ને ટોળાંઓ વચ્ચે ઝડપાઈ ગયો
તો તારું લિંચિંગ નક્કી.
હા, રામનામી ઓઢતોપહેરતો થઈ જઈશ તો તને કોઈ નહીં વતાવે.
અને આંગણે જીવતી ગાય બાંધેલી રાખીશ તો તો સૌના તારા પર ચાર હાથ.
કોઢમાં શું બળ્યું છે?
ગૌમૂત્ર ને ગોબરનાં પાઉચનું એક હાઈટેક સ્ટાર્ટ-અપ લોંચ કર આ વાઈબ્રન્ટ સમિટમાં.
દેશી હિસાબ ભૂલી જા,
ડિજિટલ થઈ જા ડિજિટલ!
વિદેશોની ખેપો કરતા આપણા નવા નગરપતિ નીરોની કલ્પનાની કમાલ છે આ.
એમને બધું મોડર્ન ને વાઈબ્રન્ટ ગમે છે.
વિદેશ ગયા નથી કે નવો આઈડિયા લાવ્યા નથી.
રિપ તો પોતાના પાડોશી અબ્દુલ ચણાવાળાની આ અગડંબગડં વાતો સાંભળીને સુન્ન થઈ ગયો.
એને થયું, આના કરતાં તો હું જાગ્યો જ ના હોત તો સારુ.
હવે આ સ્માર્ટ સિટીમાં એના જેવા જૂના માણસે કેમ કરી જીવવું ?
રિપ તો કફન જેવી લાંબી સોડ તાણીને ફરીથી કદી ન ઉઠાય તેવી મહાનિંદરમાં પોઢી ગયો.
*
નીરવ પટેલ
31-12-2018

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ...

સૌનો સાથ, સૌનો વિકાસ

કાવ્ય - 29 * દેશને અવ્વલ નંબરે લઈ જવા રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને સરકાર તનતોડ મહેનત કરી રહ્યાં છે : આર્થિક સલાહકારો કહે છે હરહાલતમાં માથાદીઠ આવક વધવી જોઈએ, હરહાલતમાં જીડીપી વધવી જોઈએ. પણ ઉત્પાદન વધારવું બહુ અઘરો રસ્તો છે, વિકલ્પે સહેલો રસ્તો છે દેશમાં માથાં ઘટાડો. રેશિયો ઓટોમેટિક ઝડપથી ઊંચો ચઢતો જશે. દેશવાસીઓ આ મહાપ્રોજેક્ટમાં પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે : વર્ષે હજારો લોકો એક્સિડન્ટમાં પોતાના જાનની આહુતિ આપી દે છે. વર્ષે હજારો નાગરિકો પતંગોત્સવ જેવા જાતભાતના ઉત્સવોમાં મરે છે. વર્ષે હજારો સ્ત્રીઓ રેઈપ અને ઓનર કિલિંગ અને ડોમેસ્ટિક વાયોલન્સમાં મરે છે. સરકાર પણ પોતાના સિરિયસ પ્રયત્નો કરી રહી છે : વર્ષે હજારો ખેડૂતો ને બેકારો ને વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ કરી રહ્યા છે. વર્ષે હજારો ધાર્મિકો કુંભમેળા જેવા જાતભાતના મેળાઓની ગિરદીમાં કચરાઈને મરે છે. વર્ષે હજારો નિર્દોષો દંગાફસાદ ને બોમ્બિંગ ને લિંચિંગથી મરે છે. વર્ષે હજારો લોકો સાચાખોટા એન્કાઉન્ટરમાં મરે છે. બસ સરકાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ વિકાસની આ ઝડપ વધારવાની છે. બસ વિકાસ માટે જરૂર છે સૌના સાથની. આવતા પાંચ વર્ષોમ...