આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...
જાનવર થઈને જીવવું સારું, બિચારા મૂળનિવાસી આદિવાસી માણસનું તો આવી જ બન્યું છે આ દેશમાં. સિંહને અભયારણ્ય, વાઘને અભયારણ્ય, રીંછને અભયારણ્ય. ગાયને અભય ગૌચરો ને રાજમાર્ગો, જંગલી ગધેડાઓનેય એમનું આગવું અભયારણ્ય. આદિવાસીઓને એમનું અભયારણ્ય ક્યારે મળશે? બાવા આદમનાં બચ્ચાંઓને એમનું અભયારણ્ય ક્યારે મળશે? ગઈ કાલે સુપ્રીમ કોર્ટે પેનના એક ગોદે 20 લાખ આદિવાસીઓને ખદેડી મૂક્યા એમની જંગલઝૂંપડીઓમાંથી. સરકારો શ્રીમંતોના વિકાસ માટે આદિવાસીઓને લગાતાર નિરાશ્રિત નિર્વાસિત કરી મૂકે છે આ દેશમાં. ભોળાભલા આદિમાનવી થઈને પોતાની મસ્તીમાં લંગોટી પહેરી જીવ્યા ને જંગલનું જતન કર્યું એ જ તો એમનો ગુનો. વાઘવરુદીપડા હોત તો તો જંગલના રાજા હોત, આખું અરણ્ય એમને માટે અનામત હોત. જંગલમાં શું નથી? ધનિકોના બંગલાઓ માટે સાલ, સીસમ ને સાગ છે, રાજમાર્ગો માટે સિમેન્ટ, કોન્ક્રીટ ને આસ્ફાલ્ટ છે, શહેરીઓ માટે સોના ચાંદી લોખંડ કોલસા ગેસની ખાણો છે, જમીનદારો માટે બારમાસી નદીઓનાં પાણી છે, વીજળી છે, ઉદ્યોગપતિઓ માટે એકરો જમીન છે. શહેરીઓ પાસે નથી તો સસ્તા મજૂરો, વેઠિયાવૈતરિયાઓ, રામાઓ ને ગુલામો. શહેરીઓને જોઈએ છે એમ...