Skip to main content

Posts

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને
Recent posts

આદિવાસી

જાનવર થઈને જીવવું સારું, બિચારા મૂળનિવાસી આદિવાસી માણસનું તો આવી જ બન્યું છે આ દેશમાં. સિંહને અભયારણ્ય, વાઘને અભયારણ્ય, રીંછને અભયારણ્ય. ગાયને અભય ગૌચરો ને રાજમાર્ગો, જંગલી ગધેડાઓનેય એમનું આગવું અભયારણ્ય. આદિવાસીઓને એમનું અભયારણ્ય ક્યારે મળશે? બાવા આદમનાં બચ્ચાંઓને એમનું અભયારણ્ય ક્યારે મળશે? ગઈ કાલે સુપ્રીમ કોર્ટે પેનના એક ગોદે 20 લાખ આદિવાસીઓને ખદેડી મૂક્યા એમની જંગલઝૂંપડીઓમાંથી. સરકારો શ્રીમંતોના વિકાસ માટે આદિવાસીઓને લગાતાર નિરાશ્રિત નિર્વાસિત કરી મૂકે છે આ દેશમાં. ભોળાભલા આદિમાનવી થઈને પોતાની મસ્તીમાં લંગોટી પહેરી જીવ્યા ને જંગલનું જતન કર્યું એ જ તો એમનો ગુનો. વાઘવરુદીપડા હોત તો તો જંગલના રાજા હોત, આખું અરણ્ય એમને માટે અનામત હોત. જંગલમાં શું નથી? ધનિકોના બંગલાઓ માટે સાલ, સીસમ ને સાગ છે, રાજમાર્ગો માટે સિમેન્ટ, કોન્ક્રીટ ને આસ્ફાલ્ટ છે, શહેરીઓ માટે સોના ચાંદી લોખંડ કોલસા ગેસની ખાણો છે, જમીનદારો માટે બારમાસી નદીઓનાં પાણી છે, વીજળી છે, ઉદ્યોગપતિઓ માટે એકરો જમીન છે. શહેરીઓ પાસે નથી તો સસ્તા મજૂરો, વેઠિયાવૈતરિયાઓ, રામાઓ ને ગુલામો. શહેરીઓને જોઈએ છે એમ

પગ મને ધોવા દોને રઘુરાય

ગોળલીમડેથી ગુરૂજીની પધરામણી થતી ને મા દોડતી પિત્તળના થાળમાં પાણી ભરીને . અતિથિ થઈને આવેલ પ્રભુજીના પગ પખાળતી ને એમના હાથે જ ચરણામૃત લેતી , ગંગાજળથીય પવિત્ર પાણીની અંજલી પીને પાવન થઈ જતી . બાપુ આ તમાશો જોતા ગુસ્સે લાલચોળ થઈ જતા . પાક્કાં ભોજન જમીને , ઘરદીઠ મણ બેમણ દાણાની વરસૂંદ લઈ ગુરુજી એમના સેવકો સાથે બીજે ગામની દલિત વસ્તીએ રવાના થતા . ચામડાંની ખેપ લઈ શહેરમાં આવતા બાપુએ ગુરુજીની ગગનચૂંબી હવેલી જોઈ છે , એમનાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ જોયાં છે , તો માનું માટિયાળુ ખોરડુંય જોયું છે . સમાચાર છે પ્રધાનજીએ કુંભમેળાની સફાઈ કામદાર દલિત મહિલાના પગ પખાળ્યા ને ચરણામૃતય લીધું , એ પગ જે રોજ રોજ વિષ્ટાથી ખરડાતા હતા . અલબત્ત , પ્રધાનજી તો કહે છે દલિતોની આ સમાજસેવા આધ્યાત્મિક કર્મ સમાન પવિત્ર અને પૂણ્યશાળી છે . સફાઈ કર્મચારી તો બ્રહ્મર્ષિ સમાન આદરને પાત્ર છે . તેમના વડવાઓની પેઢીઓની જેમ હરેક વાલ્મીકિએ આ સમાજસેવા , આ આધ્યાત્મિક સેવામાં જીવન ગાળવું

કેન્ડલ માર્ચ

બળાત્કાર અને હત્યાનો ભોગ બનનાર નિર્ભયાને ન્યાય મળે એ હેતુથી યોજાયેલ કેન્ડલ માર્ચ મેં જોઈ હતી ટીવીને પડદે. પુરુષહિંસાનો ભોગ બનતી સ્ત્રીઓની એ સિરિયસ અને ડિસીપ્લીન્ડ પ્રોટેસ્ટ માર્ચ હતી, અલબત્ત એમાં ન્યાય અને સમાનતામાં માનતા સહ્દયી પુરુષો પણ જોડાયા હતા. ગઈ કાલે રાત્રે મેં પુલવામાના શહીદોના નામે યોજાયેલ કેન્ડલ માર્ચ જોઈ. આખા રોડ પર હજારો સ્ત્રીપુરુષબાળકોના એક હાથમાં મિણબત્તીઓ હતી, ને બીજા હાથમાં ભગવા ધ્વજો. એ સૌ ગળાફાડ સૂત્રોચ્ચાર કરતાં હતાં, માંગ કરતાં હતાં વિધર્મી દુશ્મનદેશને આવો જ લોહિયાળ પાઠ ભણાવી બદલો લેવાની. કેટલાક લોકો શહીદોના પરિવારો માટે ઝોળીઓ લઈ ફાળો પણ ઉઘરાવતા હતા. સૂત્રોચ્ચારો ઓર પ્રવોકેટિવ થતા જતા હતા. આયોજકોએ ટ્રેજડીને ધર્મ અને કોમના એંગલથી ઓર ઘેરી ઘૂંટી હશે, કદાચ કેન્ડલધારી ટોળાંઓ એટલે જ હોશોહવાસ ખોઈ બેઠાં હતાં. રોડની પેલે પાર બોર્ડરલાઈન પર વસતા સૌ પોતાનાં બંધ ઘરોમાંય ધ્રુજતા હતા, આગજની કે હિંસા ભડકવાની દહેશત વર્તાતી હતી માહોલમાં. આ શહીદોના માનમાં યોજાયેલ કેન્ડલ માર્ચ હતી કે કોઈ અદ્રશ્ય નેતાનો રોડ શો? કદાચ ટોળાંઓની જાણ બહાર કોઈ આ ગંજાવર ટ્રેજડીમ

કલિંગબોધ

કાશ્મીરનું પુલવામા એટલે લીલીછમ ડાંગરનાં ખેતરો ને કૂણા કેસરની વાડીઓ. પાણીથી છલોછલ સરોવરો ને સેલારા મારતી નદીઓ. ધરતી પરના આ સ્વર્ગને સમરાંગણ બનાવી દીધું છે જિદ્દી રાજકારણીઓએ: સમાચાર છે કોન્વોય કાઢીને નીકળેલા 40 સૈનિકોના ફૂરચેફૂરચા નીકળી ગયા એક ફિદાયિનના RDXથી! વળી એ પહેલાં સમાચાર હતા કે સર્જિકલ સ્ટ્રાઈકમાં કેટલાક ફિદાયિનના પણ આમ જ ફૂરચેફૂરચા થઈ ગયેલા. મારો કાપોનો આ સિલસિલો ચાલ્યા કરે છે. ખંધા રાજકારણીઓ ભગવાનો અને ધર્મગ્રંથોને ટાંકે છે : આ ધર્મયુદ્ધ છે, લડવું તમારું કર્તવ્ય છે. જીતશો તો રાજા થશો, ને મરશો તો તમને સ્વર્ગની હૂર અને અપ્સરાઓ મળશે. સામ્રાજ્યવાદીઓ જિહાદો ને અશ્વમેધ યજ્ઞો કરી પોતાની આણમાં લાવે છે પોતાની મોજમાં જીવતી પાડોશી પ્રજાઓને. પણ તેઓ ભૂલી જાય છે આઝાદી સૌને પ્યારી હોય છે, ને આધિપત્ય કોઈનું ગમતું નથી. સ્વાતંત્ર્ય માટે લોકો શહીદી વહોરી લે છે, આઝાદી માટે લોકો વીરગતિને પ્રાપ્ત થાય છે. અફસોસ, મહાભારતના યુદ્ધની કે વિશ્વયુદ્ધોની ભયંકર ખુવારી પછીય કોઈ રાજામાં કલિંગબોધ જન્મતો નથી. UNO શાન્તિનાં ચાર્ટરો છાપ્યા કરે છે, ને ભારત જેવા દેશો 'વસુધૈ

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ

અલવિદા સરસ્વતી

કાવ્ય : 62 * મને પ્રેમ કરવા બદલ તારો આભાર, પ્રિય સરસ્વતી. મેં કઠોર તપ કરી તને પ્રાપ્ત કરી હતી તારા બ્રહ્મર્ષિ પિતા પાસેથી. સાહીઠ રાત્રિઓમાં તારી કૂખે સાહીઠ કવિતાઓ જન્મી, અને હવે તું વદાડ પૂરો થતાં વિદાય માંગે છે. સ્વર્ગનાં સુખ છોડી તું એક દલિત કવિની કમ્પેનિયન બની, તેં તારાં શ્વેત વસ્ત્રો ફગાવી દીધાં, તેં સ્મશાની રાખે રજોટાયેલ સાડી ઓઢી લીધી, તું અસ્પ્રુશ્યા બની ગઈ, થેરવાડામાં રહેવા આવી, વાળુ માગવા તેં તારી મધુર વીણાને વેગળી કરી, થેરી...થેરી... કહી સવર્ણો તારું અપમાન કરતા, અરે, વહેલી સવારે એમનું પાયખાનું પખાળતાં એમની વાસનાથી તું માંડ માંડ બચી... પ્રિય સરસ્વતી, અલવિદા. મને પ્રેમ કરવા બદલ તારો આભાર. હું તો ઈચ્છું કે તું આજીવન મારી સાથી-સંગી બની રહે. પણ તેં મને સાહીઠ બચ્ચાંઓની સોગાત આપી છે, તે સાહીઠ સરસ્વતીના અવતાર છે. એ સાઈઠ કવિતાઓ જે આપણાં લવ-ચિલ્ડ્રન છે તે કાલે તેમની રુદ્રવીણાઓ વગાડશે ને સ્વર્ગ-પ્રુથ્વીની સરહદો છિન્નભિન્ન કરી કાઢશે, પ્રુથ્વી પરની બધી કુરુપતાઓને ભગાડી મૂકશે, તેઓ સાહીઠ રાત્રિઓના વદાડ પર નહીં પણ દલિત કવિઓની સાથે આજીવન સંસાર માંડશે પ્રુથ્વી પર. સરસ્વતી, સા