આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...